What GUJARAT SAMACHAR HAS TO SAY ON PENSIONERS WOES…

2 Dec

નોટબંધીને લીધે સરકારી કર્મચારી- પેન્શનરો પગાર-પેન્શનથી વંચિત રહ્યાં

– પગાર લેવા બેન્કો – એટીએમમા ધસારો રહ્યો

– કલાકો લાઇનમાં ઉભા રહ્યા બાદ બેન્કોમાં ‘નો કેશ’નાં પાટિયા ઝૂલ્યાં,છતે પૈસે લોકોએ નાણાંભીડ અનુભવી

અમદાવાદ, તા.1 ડિસેમ્બર 2016 ગુરૃવાર

૫૦૦-૧૦૦૦ની ચલણી નોટોના વપરાશ બંધ થયાને આજે ૨૩ દિવસ થયા પણ હજુયે લોકોની હાલાકી દૂર થઇ શકી નથી. ૧લીએ પગાર થતો હોઇ ઘણાં કર્મચારીઓ અને પેન્શનરોને પણ નાણાં મળી શક્યા નહીં. બેન્કોમાં તો બપોર બાદ નો કેશના પાટિયા ઝૂલતા થયાં હતાં પરિણામે પેન્શનરો અને કર્મચારીઓ નાણાં વિના ઘેર પરત ફરવા મજબૂર થવુ પડયું હતું .

 
કર્મચારીઓ-પન્શનરોએ આજે નિયમ મુજબ ૧લીએ પગાર લેવા બેન્કોમાં પહોચ્યા હતાં. પગારનો દિવસ હોઇ બેન્કોમાં સવારથી લાબી કતારો લાગી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ભાજપ સરકારની નિષ્ફળતાને લીધે કર્મચારીઓ-પેન્શનરો છતે પૈસે નાણાં મેળવી શક્યા હતા. કોગ્રેસના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો કે, ભાજપ સરકાર એવો દાવો કરે છે કે કેન્દ્ર સરકારના આ પ્રયાસને લોકોનુ સમર્થન છે પણ વાસ્તવિકતા એછેકે, રિઝર્વ બેન્કમાં જ પુરતા નાણાં નથી પરિણામે બેન્કોમાં લોકોને નાણાં વિના પરત ફરવુ પડે છે જે સરકારની નિષ્ફળતા છતી કરે છે. લોકો જીવનનિર્વાહની સાથે સામાજીક પ્રસંગોમાં પણ નાણાંભીડ અનુભવી રહ્યાં છે. પેન્શનરોનું જીવનનિર્વાહ પેન્શન પર આધાર રાખે છે ત્યારે તેઓ પણ આજે નાણાંથી વંચિત રહ્યા હતાં.

 
આઉટસોર્સિંગ પર કામ કરતાં કર્મચારીઓને અપુરતો પગાર મળે છે ત્યાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ નાણાં મળ્યા ન હતાં . પગારદારોને માત્ર છ હજાર લેવા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવુ પડયુ હતું તેમાં યે મોટાભાગની બેન્કોમાં તો બપોર બાદ નો કેશના પાટિયા લગાવી શટરો પાડી દેવામાં આવી હતી. આમ, પેન્શનરો અને કર્મચારીઓને પગારના ય નાણાં મેળવવામાં હાલાકી ભોગવવી પડી છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં ૪.૪૦ લાખ પેન્શનરો , ૪.૬૦ લાખ કર્મચારીઓ અને પાંચ લાખ કોન્ટ્રાક્ટ આધારે કામ કરતાં રોજીંદા કર્મચારીઓ છે.